Monday, Jul 16th

Last update:04:08:51 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૦ સિગારેટ છોડવી તો સાવ સહેલી ! – નિરંજન ત્રિવેદી

સિગારેટ છોડવી તો સાવ સહેલી ! – નિરંજન ત્રિવેદી

Print PDF
[ વ્યસનમુક્તિ અંગે નામાંકિત હાસ્યલેખકોની વિનોદિકાઓનો સમાવેશ ધરાવતા પુસ્તક ‘છોડો વ્યસન સંગ’ માંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ, પુસ્તકના સંપાદક ડૉ. ભરતભાઈ પરીખ (અમદાવાદ) તેમજ ગુજરાત કેન્સર ઍન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (અમદાવાદ) નો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાં આપેલી વ્યસન છોડવા અંગેની હાસ્યસભર કૃતિઓ સમયાંતરે રીડગુજરાતી પર માણતા રહીશું. ]

વિશ્વપ્રસિદ્ધ હાસ્યલેખકે એકવાર વ્યસન માટે કહ્યું હતું કે વ્યસન છોડવું અઘરું નથી, ખુદ મેં પચીસ વાર સિગારેટ છોડી હતી.

મને પણ લાગે છે કે વ્યસનો છોડવા અઘરાં નથી. મારો મિત્ર પંડ્યા વર્ષોથી ગુટખા ખાય છે, ચાવે છે. હું એ પંડ્યાને સતત ગુટખા છોડવા માટે કહેતો રહું છું. જ્યારે પણ પંડ્યા મળે ત્યારે હું તેને ગુટખા છોડવાની વાત કરું. સતત એની એ જ વાત કર્યા કરું, એટલે પંડ્યા મને મંડ્યા કહે છે. નિરંજન મંડ્યા. એનું કહેવું છે કે હું સતત એનું વ્યસન છોડવા માટે મંડ્યો રહું છું. એટલે તે તેની આદત ન બદલી શક્યો પણ મારી અટક બદલી નાખી. હું પંડ્યાને સતત વ્યસન છોડવા કહેતો, કારણ કે તે હું કહી શકતો.

એક સંત પાસે કોઈ ભક્ત બાળકીને લઈને ગયા અને કહ્યું, ‘મહારાજ ! આને ગોળ ખાવાની બહુ ટેવ છે. કરમિયાં થઈ ગયા છે. તમે એને કંઈક સલાહ આપો તો બાળકી ગોળ ખાવાનું બંધ કરે.’ એ સંતે એક અઠવાડિયા પછી આવવાનું કહ્યું. એક અઠવાડિયા પછી પેલા ભક્તજન બાળકીને લઈને સંત પાસે ગયા. ત્યારે સંતે કહ્યું : ‘બેટા, તું ગોળ ખાવાનું બંધ કર.’ ભક્તજનને નવાઈ લાગી. એણે પૂછ્યું, ‘મહારાજ ! આ ગોળ છોડવાની સલાહ તમે અત્યારે આપી, તે અઠવાડિયા પહેલાં પણ આપી શક્ત.’ મહારાજશ્રીએ કહ્યું : ‘બરોબર છે, પણ, હું પણ રોજ ગોળ ખાતો હતો. હું ગોળ છોડી શકું, જો હું ગોળ ન ખાતો હોઉં તો જ હું દીકરીને ઉપદેશ આપી શકું કે ગોળ ન ખવાય.’ એટલે ઉપદેશની અસરકારતા માટે સંતશ્રીએ પોતે જ પહેલા ગોળ છોડી દીધો ! મારો ઉપદેશ પણ એ સંત જેવો જ હતો, કારણકે હું ગુટખા ખાતો નહીં એટલે પંડ્યાને ગુટખ છોડી દેવા બિલકુલ કહી શકતો.

પંડ્યા મારો ઉપદેશ સાંભળી હસતો. એ મને કહે, ‘નિરંજન, તું યાર બચી ગયો છે…’ પછી પંડ્યા કહે, ‘અત્યાર સુધી ગુટખા છોડી દેવા મને જે જે લોકો સમજાવવા આવ્યા તે બધા અત્યારે ગુટખા ખાતા થઈ ગયા છે. છપ્પન જણને અત્યાર સુધીમાં મેં ગુટખા ખાતા કરી દીધા છે…. અબતક છપ્પન’ જોકે બધા ઉપરોક્ત સંત જેવા નથી હોતા કે જે વ્યસન છોડે પછી જ વ્યસનમુક્તિ વિશે વાત કરે. એક નેતાજીની વાત કરું. એ જ્યારે પીધેલા હોય ત્યારે દારૂબંધી વિશે ઉમદા પ્રવચન કરી શકતા. સમજવા છતાં પંડ્યા ગુટખા કેમ છોડતો ન હતો ? એ અંગે એણે મને કહેલું કે, ‘દોસ્ત, કેટલા બધા માણસો આ ગુટખા પાછળ પોષાય છે ! હું ગુટખા છોડી દઉં, બીજા લોકો પણ ગુટખા છોડી દે, તો એ કુટુંબોનું શું ? જે લોકો ગુટખામાંથી રોજીરોટી મેળવે છે ?’ પંડ્યા તો કહે છે કે દારૂ, હેરોઈન, બ્રાઉન સુગર એ બધાની પાછળ પોષાતા બુટલેગર્સનો પણ વિચાર કરવો જોઈએ. આપણે બધા એટલે કે હું અને મારા જેવા જો વ્યસનો છોડી દઈશું તો પછી વ્યસનોને આધારે જીવતા લોકોનો પ્રશ્ન ઊભો થશે. એક નવા પ્રકારના વિસ્થાપિતોનો પ્રશ્ન જાગશે. જે માટે એક નવી મેઘા પાટકરની જરૂર પડશે. ત્યારે મને સમજાયું કે પંડ્યાના વ્યસનનું કારણ દયા હતું. ગુટકાની પાછળ પોષાતાં અનેક કુટુંબોનું શું એની ચિંતા એને હતી. એટલે એ જાતના જોખમે પણ એ લોકોની ચિંતા કરતો હતો અને ખરેખર એવું જ બન્યું. પંડ્યાએ વ્યસન ન છોડ્યું પણ દુનિયા છોડી દીધી. ‘તેરે ખાતર એ જહાં છોડ દેંગે હમ’ એવું ફિલ્મી ગીતમાં આવતું હોય છે. પંડ્યાએ એને સાચું કરી બતાવ્યું. ગુટખા ખાતર એણે દુનિયા છોડી દીધી.

ડૉ. દુધિયાની એક વાત યાદ આવે છે. ડૉક્ટર દુધિયા અમદાવાદના જાણીતા બાળકોના ડોક્ટર છે. મતલબ કે, કેટલાંક બાળકો જે પાછળથી જાણીતા થયા તેના ડૉક્ટર દુધિયા સાહેબ હતા. આ ડૉક્ટર સાહેબે વ્યસન માટે એક વેધક વાત કહી હતી. હથેળીમાં તમાકુ ચોળતા લોકો માટે તેમણે કહ્યું હતું કે, આ લોકો ફક્ત તમાકુ નથી ચોળતા, પણ એ જ હથેળીમાં રહેલી જીવનરેખા ભૂંસી રહ્યા છે.

આગળ કહ્યું તેમ માર્ક ટ્વેઈનમાંથી પ્રેરણા લઈ મારા લધુબંધુ રવીન્દ્ર ત્રિવેદીએ પણ હેટ્રિક નોંધાવી હતી. એણે ત્રણ ત્રણ વાર તમાકુ છોડી દીધી હતી. એક નહિ પણ ત્રણ ત્રણ વાર…. લગભગ સિત્તોતેરની સાલમાં વસંત ગજેન્દ્ર ગડકરનો દેહાંત થયો. ખાડિયાના જનસંઘના કાર્યકરોમાં ઘેરા શોકની લાગણી હતી. વસંતભાઈનો મૃતદેહ ખાડિયામાં લાવવામાં આવ્યો ત્યારે રવીન્દ્રએ પ્રતિજ્ઞા જાહેર કરી ( જેને ભીષ્મ પ્રતિજ્ઞા તો ન જ કહેવાય ) ‘હું તમાકું છોડી દઉં છું.’ મારા જેવા માટે વસંતભાઈના અવસાનથી શોકની લાગણી હતી અને રવીન્દ્રની પ્રતિજ્ઞાથી ‘શૉક’ (આંચકા) ની લાગણી થઈ. રવીન્દ્રએ છ છ મહિના સુધી પાનના ગલ્લાવાળાને પજવ્યા. એ લોકો પાસેથી તમાકુ ન લીધી તે ન જ લીધી !! પણ કહે છે ને કે હોની કો કૌન ટાલ સકતા હૈ ? એક સાંજે રવીન્દ્રને મેં તમાકુ ખાતો જોયો. મને આશ્ચર્ય ન થયું પણ મેં હળવેકથી પૂછ્યું, ‘શું વસંતભાઈ જીવતા થઈ ગયા ?’ માણસની વરસી વાળ્યા પછી એના કુટુંબીજનો પુન: અલંકાર અને સારાં કપડાં ધારણ કરી લે છે તેમ આદરણીય વ્યક્તિના અવસાન પછી લીધેલ કઠિન પ્રતિજ્ઞાની પણ વરસી વાળી લેવામાં આવે છે. તેમ હું જોઈ શક્યો અને છ છ માસ સુધી તમાકુથી દૂર રહ્યો હતો એટલે રવીન્દ્રએ ‘બેકલોગ’ પણ કલિયર કરી નાખ્યો. વ્યસનનું તો આવું છે. ‘લાગી છૂટે ના…’ ક્યારેક તેમાં વૅકેશન આવી જાય.

હું તમાકુથી દૂર રહી શક્યો એનું કારણ પિતાજી. પિતાજીના કારણે અમને પ્રેરણા મળેલી કે તમાકુ ન ખવાય. આ વસ્તુ સમજવા માટે ખલિલ જીબ્રાનને યાદ કરવા પડે. જીબ્રાને લખેલું કે ગૌતમ બુદ્ધ નહિ પણ ચંગીઝખાન આપણને દયાની લાગણી શીખવે છે. ગૌતમ બુદ્ધના ઉપદેશની આપણને અસર કદાચ ન થાય પણ ચંગીઝખાનની કતલની કહાની વાંચીએ ત્યારે આપણું હૃદય દ્રવી જાય. ઓહો, માણસ શું આટલો ઘાતકી હોઈ શકે ? ક્રૂર થઈ શકે ? એ રીતે ચંગીઝખાન તમારા હૃદયમાં દયાની લાગણી અને ગુણ ઉત્પન્ન કરી શકે. બસ, એ જ રીતે તમાકુની બાબતમાં અમને લાગણી થયેલી. મારા પિતાજી તેજ-તમાકુવાળાં પાન ખાતાં. એમની આજ્ઞા અનુસાર ઘણી વાર તમાકુ લેવા હું જતો. એમને સતત તમાકુવાળાં પાન ખાઈને પીચકારી મારતા જોઈ મને તમાકુ ઉપર નફરત થઈ ગઈ. એટલે પિતાજીએ આડકતરી રીતે અમને તમાકુથી દૂર રાખ્યા !! બાકી તમે માનો છો કે ઉપદેશોથી વ્યસનથી દૂર રહી શકાય ? એક જાણીતી રમૂજ યાદ આવે છે. બગીચાના બાંકડા ઉપર એક મધ્યમ વયનો માણસ પગ ઉપર પગ ચડાવી સિગારેટ પીતો હતો. હવામાં ધુમાડા ઉડાડતો હતો. ‘હર ફ્રીક્ર ધૂએ મેં ઉડાતા મેં ચલા….’ એવું કોઈ ગીત તે ગણગણતો હતો. તેને આમ સિગારેટના ધુમાડા ઉડાડતો જોઈને એક કાર્યકર્તા તેમની પાસે પહોંચ્યો. તેણે તે સજ્જનને પૂછ્યું, ‘તમને એક-બે સવાલ પૂછી શકું ?’ સિગારેટના ધુમાડા ફૂંકતા સજ્જને કહ્યું : ‘જરૂર….’ એટલે એ કાર્યકર્તાએ પૂછ્યું : ‘તમે કેટલાં વર્ષથી સિગારેટ પીઓ છો ?’
‘લગભગ પચ્ચીસ વર્ષથી’ એ સજ્જને જવાબ આપ્યો.
‘તમે રોજની કેટલી સિગારેટ પીઓ છો ?’
‘હું રોજની પાંત્રીસ-ચાલીસ સિગારેટ પીઉં છું.’
‘ઓહો… સિગારેટની કિંમત કેટલી ?’
‘હું મોંઘી સિગારેટ પીઉં છું.’ એમ કહી તેણે કિંમત અને બ્રાન્ડનું નામ આપ્યું.

પેલા કાર્યકર્તાએ પૉકેટ કેલ્ક્યુલેટરથી કશીક ગણતરી કરી. પછી એ સિગારેટ પીનાર સજ્જને કહ્યું, ‘સાહેબ, તમે આટલા વખતમાં જે સિગારેટ પીધી છે, તે જો ન પીધી હોત તો જુઓ સામે જે બંગલો દેખાય છે તે તમે એ જ પૈસામાંથી ખરીદી શક્યા હોત.’

ત્યારે સજ્જન એક મિનિટ રોકાયા પછી પૂછ્યું : ‘ઓહો, એમ વાત છે ? તમે તો સિગારેટ નથી પીતા તો એ બંગલો તમારો હશે.’

કાર્યકર્તાએ સહેજ નરમ થઈ ગયા અને કહ્યું : ‘ના, જી. એ બંગલો મારો નથી.’ ‘વેલ જેન્ટલમેન તમે જે બંગલો બતાવ્યો એ બંગલો મારો જ છે.’

પેલા કાર્યકર્તા ત્યાંથી ઊભા થઈ ગયા. મનમાં નક્કી કરીને કે બંગલો હોય તેવાનું વ્યસન છોડાવવું અઘરી બાબત છે. એ વાત કોઈ યાદ નથી રાખતું કે વ્યસનના કારણે થયેલા કેન્સરથી એ બંગલો વેચવાનો વારો આવે છે. વ્યસનવાળા તો પરલોકમાં જતા રહે પણ આ લોકમાં રહેતા તેના પરિવારજનો પછી ક્યાં રહેવા જાય ?

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source: Readgujarati.com

મંતવ્ય

આ તમારી સાઈટ છે, જો તમારે કાઇ સુજાવ આપવો હોય અથવા કોઇ જાણકારી આપવી હોય કે જેનાથી આપણી કાર્યપદ્ધતિમાં સુધાર આવે તો અમને તરતજ જણાવો. અમે તે જાળવવા ઉત્તમ પ્રયાસ કરશુ.

મંતવ્ય આવકાર્ય
Manthan Award

Link to Aarogya

NASSCOM Award